વર્ષાઋતુ |
વર્ષાઋતુ
આપણાં દેશમાં મુખ્યતઃ છ ઋતુઓ છે- વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત અને શિશિર. આ છ ઋતુઓમાંથી વસંતઋતુને જો 'ઋતુઓનો રાજા' કહીએ તો વર્ષાઋતુને 'ઋતુઓની રાણી' કહી શકાય. વર્ષાઋતુનો મહિમા અનેરો છે.
વર્ષાઋતુની શરૂઆત પહેલા ગ્રીષ્મની પ્રચંડ ગરમી પડતી હોય છે. ત્યારબાદ એકાએક આકાશમાં કાળા કાળા વાદળો છવાઈ જાય છે. વાદળોના ગડગડાટ અને વીજળીના ચમકારા તથા પવનના સૂસવાટા સાથે વર્ષાનું શાનદાર આગમન થાય છે, તેથી લોકોમાં ખુશીનું મોજુ ફરી વળે છે. વરસાદના આગમનથી ભીની ભીની માટીની સુવાસ આવે છે. બાળકોને વરસાદમાં સ્નાન કરવું ખૂબ ગમે છે. તેઓને પાણીમાં છબછબિયા કરવામાં મજા આવે છે. બાળકો વરસાદના પાણીમાં કાગળની હોડીઓ તરતી મૂકે છે તથા વર્ષાગીતો ગાવાની મજા માણે છે.
આવ રે વરસાદ, ઘેબરીઓ પરસાદ ઊની ઊની રોટલી ને કારેલાનું શાક આવ રે વરસાદ, નેવલે પાણી નઠારી છોકરીને દેડકે તાણી |
---|
વર્ષાઋતુમાં પ્રકૃતિની શોભા ચારેકોર ખીલી ઊઠે છે. આકાશમાં સપ્તરંગી મેઘધનુષ્ય દેખાય છે. ધરા પર ચારે બાજુ હરિયાળી છવાઈ જાય છે. મોર કળા કરી નાચવા લાગે છે. કોયલના મધુર ટહુકા સાંભળવા મળે છે. નાના નાના તળાવો પાણીથી છલકાઈ જાય છે. દેડકાઓ અવાજ કરે છે. પશુઓને પુષ્કળ પ્રમાણમાં ઘાસચારો મળે છે.
લોકો વરસાદની ઋતુને બરાબર માણે છે. તેઓ વરસાદમાં ગરમાગરમ ભજીયા અને દાળવડા ખાઈને મજા કરે છે. તેઓ વરસાદથી બચવા છત્રી તથા રેઇનકોટનો ઉપયોગ કરે છે. ઘણીવાર પવનના કારણે છત્રીનો કાગડો પણ થઈ જાય છે, ત્યારે હાસ્યાસ્પદ સ્થિતિનું નિર્માણ થાય છે. આ ઋતુમાં ઘણાં તહેવારો આવે છે જેમ કે રક્ષાબંધન, જન્માષ્ટમી, પારણાં, પર્યુષણ, ગણેશચતુર્થી, સ્વાતંત્ર્યદિન, નવરાત્રી વગેરે તહેવારોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. લોકો આ દિવસોમાં યાત્રાઓ પણ કરે છે.
આપણો દેશ ખેતીપ્રધાન દેશ છે. આથી વરસાદનું જળ આપણાં માટે અમૃત સમાન છે. સારા પ્રમાણમાં વરસાદ થતાં ખેતી સારી થાય છે. ખેડૂતો ખૂબ ખુશ થાય છે. ખેતરો લીલાછમ નજરે પડે છે. ધંધા રોજગાર તથા લોકોની આવકમાં તેજી આવે છે. વર્ષાઋતુમાં નદીઓ, તળાવ, કુવા, સરોવરો, જળાશયો વગેરે પાણીથી છલકાઈ જાય છે. જેના પાણી વડે શિયાળામાં પણ ખેતી કરી શકાય છે.
આપણાં ત્યાં કહેવત છે કે 'જે પોષતું તે મારતું' એ હિસાબે ક્યારેક ક્યારેક વધુ પ્રમાણમાં વરસાદ પડવાથી અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિ સર્જાય છે. અતિવૃષ્ટિના કારણે લોકોને જાનમાલનું ખૂબ નુકસાન સહન કરવું પડે છે. અતિવૃષ્ટિના કારણે ખેતરોમાંના ઉભા પાક નાશ પામે છે. ઢોરો તણાઈ જાય છે. મકાનો ધરાશાયી થઈ જાય છે અને જનજીવન ઠપ થઈ જાય છે. સડકો ધોવાઈ જાય છે.
આમ છતાં વર્ષાઋતુ આપણાં માટે વરદાન સ્વરૂપ છે. તે આપણા માટે જીવનદાત્રી છે. તેનું જળ આપણાં માટે અમૃત છે.
0 comments:
Post a Comment
pls post your opinion, atma namaste !!